અનુસંધાન
આત્યંતિક મુક્તિનું સાધન ‘परा विद्या’ કહેતાં ‘ब्रह्मविद्या’ છે. તેમાં બધું સમાઈ જાય. બધી વિદ્યાઓ જણાઈ જાય. બધાં સાધનો સધાઈ જાય. તેથી જ ‘कस्मिन्नु भगवो विज्ञाते सर्वमिदं विज्ञातं भवतीति’ (મુંડક ઉપનિષદ - ૧/૧/૩) 'ભગવન્! કઈ એવી વિદ્યા છે કે જેને એકને જાણી લઈએ અને આ બધું જણાઈ જાય?' એમ શિષ્ય શૌનકે પ્રશ્ન પૂછતાં મહર્ષિ અંગિરાએ ‘अथ परा’ (મુંડક ઉપનિષદ - ૧/૧/૫) કહીને બ્રહ્મવિદ્યાને જ જવાબમાં મૂકી. વળી, ‘येनाऽक्षरं पुरुषं वेद सत्यं प्रोवाच तां तत्त्वतो ब्रह्मविद्याम्’ (મુંડક ઉપનિષદ - ૧/૨/૧૩) 'જેના વડે ‘अक्षरम्’ કહેતાં અક્ષરબ્રહ્મ અને ‘पुरुषम्’ કહેતાં પુરુષોત્તમ પરબ્રહ્મનું, એમ બે દિવ્ય સ્વરૂપોનું તત્ત્વે કરીને જ્ઞાન થાય તેને બ્રહ્મવિદ્યા કહેવાય.' એમ તે બ્રહ્મવિદ્યાનું લક્ષણ પણ સમજાવ્યું. અને આ બ્રહ્મવિદ્યાનાં લક્ષણમાં સમાયેલાં અક્ષર તથા પુરુષોત્તમ એ બંને દિવ્ય તત્ત્વોનાં સ્વરૂપ, ગુણો, ઐશ્વર્ય વગેરે કેવાં છે વગેરે વિસ્તારથી વર્ણવ્યું. જે આપણે આ પૂર્વેના અંકમાં જાણ્યું.
પરંતુ આમ ‘पराविद्या’ કે ‘ब्रह्मविद्या’ અર્થાત્ અક્ષર અને પુરુષોત્તમનાં સ્વરૂપોની કેવળ માહિતી મેળવી સંતોષ માની લીધે કામ પૂરું ન થાય. એવું થાય તો એ નામની જ પરાવિદ્યા. અંતે તો 'અપરા' જ કહેવાય! તેથી જ અંગિરા મહર્ષિ પણ હવે પરા વિદ્યા આપણા માટે સાચા અર્થમાં પરા વિદ્યા બની રહે તે અંગે અતિ આવશ્યક ઉપદેશ આપે છે. તે હવે જોઈશું.
બ્રહ્મવિદ્યાનું દ્વાર - ગુરુ શરણાગતિ - तद्विज्ञानार्थं स गुरुमेवाभिगत्व्छेत्
'ગુરુ'! ભારતવર્ષનો સનાતન શબ્દ! પરમ શાતાપ્રદ શબ્દ! સનાતન ભારતીય અધ્યાત્મપરંપરાને પ્રતિબિંબિત કરતો શબ્દ! 'ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ બિન આત્મવિચાર ન લહત હૈ.' આમ, આજે પણ સહેજે સહેજે જનજીભે અને જનજીવનમાં ગુરુશરણાગતિનો સિદ્ધાંત ઘૂંટાતો રહ્યો છે તેનું કારણ આવાં શાસ્ત્રો છે. આ મુંડક ઉપનિષદમાં 'ગુરુ'ને બ્રહ્મવિદ્યાના સાક્ષાત્કાર માટેનું દ્વાર કહ્યા છે.
હે શૌનક! અંગિરા મુનિએ કહ્યું, ‘तद्विज्ञानार्थं स गुरुमेवाभिगत्व्छेत्’ (મુંડક ઉપનિષદ - ૧/૨/૧૨) 'તે બ્રહ્મવિદ્યાના વિજ્ઞાન, કહેતાં સાક્ષાત્કાર માટે તો ગુરુ પાસે જ જવું પડે.' અધ્યાત્મસાધનાની જીવનદોરીસમું આ વાક્ય અંગિરાજી બોલ્યા. ગુરુશરણાગતિનું આ સૂચન નથી, આદેશ છે, આજ્ઞા છે. સકળ-શાસ્ત્રોનાં ગહન રહસ્યોને ઉકેલવાની કરામત આ આદેશમાં સમાઈ છે. આવો અહીં વધુ ઊંડાણથી સમજવા પ્રયત્ન કરીએ.
સર્વપ્રથમ તો ‘तद्विज्ञानार्थं स गुरुमेवाभिगत्व्छेत्’ (મુંડક ઉપનિષદ - ૧/૨/૧૨) આ વાક્યમાં ‘एव’ એવો શબ્દ અંગિરા મુનિએ ખૂબ જ બુદ્ધિપૂર્વક પ્રયોજ્યો છે. એક ‘एव’ શબ્દ મૂકીને તેમણે બે વિશેષ વાત કહી દીધી છે. ‘एव’નો ગુજરાતી અર્થ થાય છે 'જ'. નિયમ કે નિર્ણયાત્મકતા દર્શાવવા માટે આપણે 'જ' શબ્દ ગુજરાતી ભાષામાં વાપરીએ છીએ. જેમ કે, 'તારે આ કરવું જ જોઈએ.' એટલે કે ન કરે તો ન ચાલે. એમ કરવાનો નિયમ કર્યો. અથવા 'તને સુખ થશે જ' એ વાક્યનો અર્થ થાય અવશ્યપણે સુખ થશે. આમ, અહીં પણ ઉપરોક્ત વાક્યનો ‘एव’ એટલે કે 'જ' શબ્દ બે વિશિષ્ટ અર્થો સમજાવે છે.
જેમ કે, પ્રથમ તો બ્રહ્મવિદ્યાના સાક્ષાત્કાર માટે ગુરુ પાસે ‘अभिगत्व्छेद् एव’ જવું જ પડે. ગયા વગર છૂટકો જ નથી. જ્ઞાનપ્રાપ્તિ પોતાની મેળે ન થાય. તે માટે ક્યાંક તો જવું જ પડે એવો નિયમ કર્યો.
અને વળી, બીજો આશય એવો છે કે ‘गुरुम् एव अभिगत्व्छेत्’ જ્ઞાનપ્રાપ્તિ માટે ગમે ત્યાં ન જવાય પણ ગુરુ પાસે 'જ' જવું પડે. દુનિયામાં ભાત-ભાતના માણસો છે. તેઓ લખે છે, બોલે છે. દરેકના સંસ્કાર જુદા છે. જુદી બુદ્ધિ છે. જુદા વિચારો છે. જુદા અનુભવો છે. કેવળ જુદા જ નહીં ક્યારેક પરસ્પર વિરોધી પણ છે. તો પછી નિર્ણય કોના આધારે કરવો? આવા સમયમાં આ ઉપનિષદ આપણું ધ્યાન દોરે છે કે ગમે ત્યાં ન જવું પણ ગુરુ પાસે જ જવું.
વળી, અહીં કેવળ ‘गत्व्छेत्’ કહી જવાની જ આજ્ઞા નથી કરી, પરંતુ ‘अभिगत्व्छेत्’ એટલે કે સારી રીતે, સંપૂર્ણ રીતે જવાની વાત કરી છે. ગુરુનો કેવળ સંગ જ નહીં, પરંતુ પ્રસંગ કરવાનો આશય છે. પેંડો હાથમાં હોય તે સંગ કહેવાય, પણ આરોગીએ એટલે પ્રસંગ કહેવાય. આ રહસ્ય પણ અંગિરા ૠષિ આગળ ઉદ્ઘાટિત કરશે.
ગુરુનાં લક્ષણ - श्रोत्रियं ब्रह्म निष्ठम्
ગુરુશરણાગતિ જો અધ્યાત્મસાધનાની જીવનદોરી હોય તો પછી એ ગુરુ કોણ અને કેવા હોવા જોઈએ તેનો પણ નિર્ણય થવો જોઈએ. બ્રહ્મવિદ્યાનો સાક્ષાત્કાર કરાવવો એ સહેલી બાબત નથી. એ સામાન્ય વ્યક્તિનું કામ પણ નથી. ગમે તે વ્યક્તિ બ્રહ્મવિદ્યા માટે ગુરુ ન થઈ શકે. તો તે ગુરુ કોણ? અને તેનાં લક્ષણો શું છે? તેનો નિર્ણય પણ અંગિરા મુનિએ અહીં કરી આપ્યો છે. તેમણે કહ્યું, 'હે શૌનક! શરણાગતિ લેવા યોગ્ય ગુરુ તો ‘श्रोत्रियं ब्रह्म निष्ठम्’ (મુંડક ઉપનિષદ - ૧/૨/૧૨) હોવા જોઈએ.' ‘श्रोत्रियम्’ કહેતાં તેમને સકળ શાસ્ત્રનાં રહસ્યોનો સાક્ષાત્કાર હોવો જોઈએ. કેવળ જ્ઞાનનો માહિતીભંડાર હોય એમ નહીં, પણ અનુભવની વાત કરે છે. કેવળ જાણે એટલું જ નહીં પણ જ્ઞાનને ઉપયોગમાં લે, અનુભવે. કહેતાં જ્ઞાન પ્રમાણે જીવતાં હોય તે ગુરુ થઈ શકે એવો આશય છે. વળી, એ ગુરુ ‘ब्रह्म’ કહેતાં સાક્ષાદ્ અક્ષરબ્રહ્મસ્વરૂપ અને ‘निष्ठम्’ એટલે પરબ્રહ્મ પરમાત્મામાં અનન્ય સ્થિતિ ધરાવતાં હોવા જોઈએ, પરમાત્માની અનન્ય ભક્તિપરાયણ હોવા જોઈએ. ભગવદ્ગીતામાં ‘उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदíशनः’ (ગીતા - ૪/૩૪) એમ કહી આવા ગુરુને જ્ઞાની અને તત્ત્વદર્શી તરીકે ઓળખાવ્યા છે.
આવા બ્રહ્મસ્વરૂપ ગુરુનો મહિમા ગાતાં મહર્ષિ અંગિરાએ કહ્યું, ‘यः सर्वज्ञः सर्वविद् यस्यैष महिमा भुवि’ (મુંડક ઉપનિષદ - ૨/૨/૭) 'આ બ્રહ્મસ્વરૂપ ગુરુ તો સર્વજ્ઞ, કહેતાં બધું જ પ્રત્યક્ષપણે જાણે છે. સર્વવિદ્, કહેતાં બધી જ વિદ્યાઓ તેમને હસ્તામલકવત્ પ્રત્યક્ષ છે. આ લોકમાં આવો તેમનો અલૌકિક મહિમા વિસ્તરેલો છે.'
આપણું જ્ઞાન તો સીમિત છે. એમાં પણ આપણે બધું ક્યાં પ્રત્યક્ષપણે અનુભવી શકીએ છીએ? આપણી માયિક જ્ઞાનેન્દ્રિયો પોતાની મર્યાદા ન ઓળંગી શકે. તે ભૂલ પણ કરી બેસે. વળી, ઘણું તો આપણને પ્રત્યક્ષ પણ નથી હોતું, તેથી કેવળ અનુમાનથી કે પછી કોઈકે કહેલા શબ્દો વડે જાણતા થયા છીએ. જ્યારે અક્ષરબ્રહ્મને એવું નથી. એમનું જ્ઞાન તો પરમાત્માની કૃપાથી સર્વવિષયક છે. નિત્યસિદ્ધ છે. પ્રત્યક્ષપ્રમાણ છે. નિર્ભ્રાન્ત, સ્વચ્છ અને યથાર્થ છે. તેથી હે સોમ્ય! આ અક્ષરબ્રહ્મ તો ‘वरेण्यं परं विज्ञानाद् वरिष्ठं प्रजानाम्’ (મુંડક ઉપનિષદ - ૨/૨/૧) છે. કહેતાં સંસારની માયાજાળમાં ફસાયેલી સર્વ પ્રજાએ તેમનું શરણું લેવું જોઈએ. તેમને જ વરણીય બનાવવા જોઈએ. ગુરુ કરવા જોઈએ. તેમની પ્રાર્થના કરવી જોઈએ.
આમ, બ્રહ્મવિદ્યાનો સાક્ષાત્કાર કરાવે એવા ગુરુનાં અલૌકિક લક્ષણો જાણ્યા પછી હવે તેમની શરણાગતિ કઈ રીતે લેવી તે સમજાવે છે.